Link to home pageLanguagesLink to all Bible versions on this site
8
સુલેમાનની સિદ્ધિઓ
1 રાજા. 9:10-28

1 સુલેમાનને ઈશ્વરનું સભાસ્થાન અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યા હતા, 2 રાજા હીરામે સુલેમાનને જે નગરો આપ્યાં હતાં, તે નગરોને સુલેમાને ફરી બાંધ્યાં અને તેણે ઇઝરાયલના લોકોને ત્યાં વસાવ્યા.

3 સુલેમાને હમાથ-સોબા પર હુમલો કર્યો અને તેને હરાવ્યું. 4 તેણે અરણ્યમાં આવેલા તાદમોરને ફરીથી બાંધ્યું અને હમાથમાં ભંડારના સર્વ નગરો બાંધ્યા.

5 વળી તેણે ઉપલું બેથ-હોરોન અને નીચલું બેથ-હોરોન પણ બાંધ્યાં અને તેણે સઘળાં નગરોને કોટ, દરવાજા અને સળિયાથી કિલ્લાબંધ કર્યું. 6 સુલેમાને બાલાથ અને ભંડારના સર્વ નગરો કે જે તેની માલિકીનાં હતાં તે, તેના રથોનાં સર્વ શહેરો, ઘોડેસવારોનાં શહેરો, તેની મોજમજા માટે યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના શાસન હેઠળના સર્વ દેશોમાં જે શહેરો બાંધવાનું તેણે ઇચ્છ્યું તે સર્વ તેણે બાંધ્યાં.

7 હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ જેઓ બિન ઇઝરાયલીઓ હતા, તે લોકોમાંના જે સઘળા બાકી રહ્યા હતા, 8 તેઓના વંશજો જેઓ તેઓની પાછળ દેશમાં રહેલા હતા અને ઇઝરાયલ લોકોએ જેઓનો નાશ કર્યો નહોતો, તેઓ પાસે સુલેમાને ભારે મજૂરી કરાવી, જે આજે પણ એ જ મજૂરી કરે છે.

9 પણ ઇઝરાયલના લોકો પાસે સુલેમાને ગુલામનું કામ કરાવ્યું નહિ. તેના બદલે તેઓ તેના યોદ્ધા, સેનાપતિઓ, અધિકારીઓ, રથસેનાના તથા ઘોડેસવારોના અધિકારી થયા. 10 લોકો ઉપર અધિકાર ચલાવનાર, સુલેમાન રાજાના મુખ્ય અધિકારીઓ બસો પચાસ હતા.

11 સુલેમાન ફારુનની દીકરીને દાઉદનગરમાંથી બહાર તેને માટે બંધાવેલ મહેલમાં લઈ આવ્યો; કેમ કે તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં મારી પત્નીએ રહેવું જોઈએ નહિ, કારણ કે ત્યાં ઈશ્વરનો કરારકોશ આવ્યો હોવાથી તે સ્થાન પવિત્ર છે.”

12 ત્યાર બાદ પરસાળની સામે સુલેમાને ઈશ્વરની જે વેદી બાંધી હતી તે વેદી ઉપર તે ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવતો હતો. 13 રોજબરોજના કાર્યક્રમ અનુસાર, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, ઠરાવેલા પર્વોના દિવસે તથા વર્ષમાં ત્રણ વાર; એટલે કે બેખમીરી રોટલીના પર્વમાં, અઠવાડિયાનાં પર્વમાં, અને માંડવાપર્વોમાં તે મૂસાની આજ્ઞા પ્રમાણે અર્પણ કરતો હતો.

14 દૈનિક કાર્યક્રમ અનુસાર, તેના પિતા દાઉદની વિધિઓ પ્રમાણે, સુલેમાને યાજકોનાં કાર્યો માટે યાજકોની ટોળીને નિયુક્ત કરી, યાજકોની સેવા કરવા માટે અને ઈશ્વરનાં સ્તોત્ર ગાવા માટે લેવીઓને તેઓના કામ પ્રમાણે નિયુકત કર્યા. તેણે દરેક દરવાજે દરવાનોની પણ નિમણૂક કરી, કેમ કે દાઉદે ઈશ્વરના સેવકે, એ આજ્ઞા કરી હતી. 15 આ લોકો ભંડાર સંબંધી, યાજકો અને લેવીઓને રાજાએ જે આજ્ઞાઓ આપી હતી તેનું તેઓ ઉલ્લંઘન કરતા ન હતા.

16 હવે ઈશ્વરના સભાસ્થાનનો પાયો નંખાયો તે દિવસથી માંડીને તેની સમાપ્તિ સુધીનું બધું કામ સુલેમાને પૂર્ણ કર્યુ. આ રીતે, ઈશ્વરના સભાસ્થાનનું કામ સંપૂર્ણ થયું અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરાયું.

17 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલા એસ્યોન-ગેબેર અને એલોથમાં ગયો. 18 હીરામે દરિયાના જાણકાર અધિકારીઓ મારફતે તેને વહાણો મોકલી આપ્યાં; તેઓ સુલેમાનના માણસો સાથે ઓફીર ગયા. અને ત્યાંથી તેઓ ચારસો પચાસ તાલંત સોનું સુલેમાન રાજા માટે લાવ્યા.

<- 2 કાળવૃતાંત 72 કાળવૃતાંત 9 ->