1 યોશિયાએ યરુશાલેમમાં યહોવાહના માટે પાસ્ખાપર્વ પાળ્યું; અને યોશિયા સહિત લોકોએ પ્રથમ મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું હલવાન કાપ્યું. 2 તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નિયુક્ત કર્યા અને તેઓને ઈશ્વરના ઘરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું.
3 તેણે ઈશ્વરને માટે પવિત્ર થયેલા અને ઇઝરાયલને બોધ કરનાર લેવીઓને કહ્યું કે, “ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા ઘરમાં પવિત્ર કોશને મૂકો. તમારે તેને ખભા પર ઊંચકવો નહિ. હવે તમે ઈશ્વર તમારા પ્રભુની અને તેમના લોકો, ઇઝરાયલીઓની સેવા કરો; 4 ઇઝરાયલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે તમારા પિતૃઓના કુટુંબો પોતપોતાના વિભાગોમાં ગોઠવાઈ જાઓ.
5 તમારા ભાઈઓના પિતૃઓના કુટુંબોના વિભાગો અને વંશજો પ્રમાણે પવિત્ર સ્થાનમાં ઊભા રહો. અને લેવીઓના પિતૃઓના જુદાં જુદાં કુટુંબોના વિભાગ પ્રમાણે તમારું સ્થાન લો. 6 પાસ્ખાનું હલવાન કાપો; અને પોતાને પવિત્ર કરો. મૂસા દ્વારા અપાયેલા ઈશ્વરના વચન પ્રમાણે તમારા ઇઝરાયલી ભાઈઓ માટે પાસ્ખાની તૈયારી કરો.”
7 પાસ્ખાનાં અર્પણો માટે યોશિયાએ લોકોને ત્રીસ હજાર ઘેટાંબકરાંના હલવાનો અને લવારાં આપ્યાં. વળી તેણે ત્રણ હજાર બળદો પણ આપ્યાં. તે સર્વ રાજાની સંપત્તિમાંથી પાસ્ખાના અર્પણોને માટે આપવામાં આવ્યા હતાં. 8 તેના અધિકારીઓએ યાજકોને, લેવીઓને અને બાકીના લોકોને ઐચ્છિકાર્પણો આપ્યાં. ઈશ્વરના સભાસ્થાનના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલ યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે બે હજાર છસો ઘેટાંબકરાં તથા ત્રણસો બળદો આપ્યાં. 9 કોનાન્યાએ તથા તેના ભાઈઓએ, એટલે શમાયા તથા નથાનએલે અને લેવીઓના આગેવાનો હશાબ્યા, યેઈએલ તથા યોઝાબાદે લેવીઓને પાસ્ખાર્પણને માટે પાંચ હાજર ઘેટાંબકરાં તથા પાંચસો બળદો આપ્યાં.
10 એમ પાસ્ખાવિધિ સેવાની પૂર્વ વ્યવસ્થા પૂરી થઈ અને રાજાની આજ્ઞા પ્રમાણે યાજકો પોતાને સ્થાને અને લેવીઓ પણ પોતપોતાનાં વર્ગો પ્રમાણે નિયત સ્થાને ઊભા રહ્યા. 11 તેઓએ પાસ્ખાનાં પશુઓને કાપ્યાં અને યાજકોએ તેઓના હાથમાંથી તેમનું લોહી લઈને છાટ્યું અને લેવીઓએ તે પશુઓનાં ચર્મ ઉતાર્યાં. 12 મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે ઈશ્વરને ચઢાવવા સારુ, લોકોનાં કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓને આપવા માટે તેઓએ દહનીયાર્પણોને અલગ કર્યાં. બળદોનું પણ તેઓએ એમ જ કર્યું.
13 તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં. તેઓ પવિત્ર અર્પણોને તપેલાંમાં, કઢાઈઓ તથા તાવડાઓમાં બાફીને, તેમને લોકોની પાસે ઉતાવળે લઈ ગયા. 14 પછી તેઓએ પોતાને માટે તેમ જ યાજકોને માટે તૈયાર કર્યું, કેમ કે યાજકો જે હારુનના વંશજો હતા તેઓ આખીરાત દહનીયાર્પણ તથા મેંદાર્પણ કરવામાં ખૂબ વ્યસ્ત હતા, તેથી લેવીઓએ પોતાને સારુ તથા યાજકો જે હારુનના વંશજો હતા તેઓને સારુ પાસ્ખા તૈયાર કર્યું.
15 દાઉદ, આસાફ, હેમાન તથા રાજાના પ્રબોધકો યદૂથૂનની આજ્ઞા પ્રમાણે આસાફના વંશજો, એટલે ગાનારાઓ, પોતપોતાની જગ્યાએ ઊભા હતા. દ્વારપાળો દરેક દરવાજે ઊભા હતા; તેઓને પોતાનાં સેવાસ્થાનેથી પાસ્ખા તૈયાર કરવા જવાની જરૂર નહોતી, કારણ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા.
16 તેથી તે સમયે યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસ્ખા પાળવાને લગતી તથા ઈશ્વરની વેદી ઉપર દહનીયાર્પણ ચઢાવવાને લગતી ઈશ્વરની સર્વ સેવા સમાપ્ત થઈ. 17 તે સમયે હાજર રહેલા ઇઝરાયલી લોકોએ પાસ્ખાનું પર્વ તથા બેખમીરી રોટલીનું પર્વ સાત દિવસ સુધી પાળ્યું.
18 શમુએલ પ્રબોધકના સમયથી આજ સુધી ઇઝરાયલમાં તેના જેવું પાસ્ખાપર્વ આ રીતે ઊજવાયું નહોતું. તેમ જ આ જેવું પાસ્ખાપર્વ યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદિયાના લોકોએ, હાજર રહેલા ઇઝરાયલીઓએ તથા યરુશાલેમના વતનીઓએ પાળ્યું તેવું પાસ્ખાપર્વ ઇઝરાયલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું. 19 યોશિયાના રાજ્યને અઢારમે વર્ષે આ પાસ્ખાપર્વ ઊજવવામાં આવ્યું હતું.
20 આ બધું બન્યા પછી, જ્યારે યોશિયા સભાસ્થાન તૈયાર કરી રહ્યો, ત્યારે મિસરનો રાજા નકોએ યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેનો સામનો કરવા ગયો. 21 પરંતુ નખોએ તેની પાસે એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે, “ઓ યહૂદિયાના રાજા, મારે અને તારે શું છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારી દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું. ઈશ્વરે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે, જે ઈશ્વર મારી સાથે છે તેમની ઇચ્છાની વિરુદ્ધ દખલગીરી કરીશ નહિ, રખેને તે તારો પણ નાશ કરે.”
22 પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ અને તેની સાથે લડવા માટે ગુપ્તવેશ ધારણ કરીને ગયો. ઈશ્વરના મુખમાંથી આવેલા નકોનાં વચન તેણે કાન પર લીધાં નહિ અને મગિદ્દોના મેદાનમાં તે યુદ્ધ કરવા ગયો.
23 નખોના ધનુર્ધારીઓ સૈનિકોએ યોશિયા રાજાને બાણ માર્યાં. તેથી રાજાએ તેના ચાકરોને કહ્યું, “મને લઈ જાઓ, કેમ કે હું સખત ઘવાયો છું.” 24 તેના ચાકરો તેને તેના રથમાંથી ઉપાડીને બીજા રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા. ત્યાં તે મરણ પામ્યો. તેને તેના પૂર્વજોની કબરોમાં દફનાવવામાં આવ્યો. સમગ્ર યહૂદિયા તથા યરુશાલેમે યોશિયાને માટે વિલાપ કર્યો.
25 યર્મિયાએ યોશિયા માટે વિલાપ કર્યો; સર્વ ગાનારાઓએ તથા ગાનારીઓએ યોશિયા સંબંધી આજ પર્યંત સુધી વિલાપનાં ગીતો ગાતા રહેલાં છે. ઇઝરાયલમાં આ ગીતો ગાવાનો રિવાજ હતો. આ ગીતો વિલાપના પુસ્તકમાં લખેલાં છે.
26 યોશિયાનાં બાકીનાં કૃત્યો તથા ઈશ્વરના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેણે કરેલાં તેનાં સુકૃત્યો તથા 27 તેના બીજાં સેવાકાર્યો વિષે પહેલેથી તે છેલ્લે સુધી ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.
<- 2 કાળવૃતાંત 342 કાળવૃતાંત 36 ->