Link to home pageLanguagesLink to all Bible versions on this site
27
યહૂદિયાની ગાદીએ યોથામ
2 રાજા. 15:32-38

1 યોથામ જયારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યરુશા હતું; તે સાદોકની દીકરી હતી. 2 તેના પિતા ઉઝિયાએ જે સારું કર્યું હતું તે પ્રમાણે તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉઝિયાની માફક ઈશ્વરના ઘરમાં પ્રવેશીને પાપ કર્યું નહિ. પણ લોકો તો હજી સુધી દુષ્ટ કાર્યો કર્યા કરતા હતા.

3 તેણે ઈશ્વરના ઘરનો ઉપલો દરવાજો બાંધ્યો અને ઓફેલના કોટ ઉપર પુષ્કળ પ્રમાણમાં બાંધકામ કર્યા. 4 આ ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યાં અને જંગલોમાં કિલ્લાઓ તથા બુરજો બાંધ્યાં.

5 વળી તેણે આમ્મોનીઓના રાજાની સાથે યુદ્ધ કરીને તેઓના ઉપર વિજય મેળવ્યો. તે જ વર્ષે આમ્મોનીઓએ તેને સો તાલંત ચાંદી, દસ હજાર માપ ઘઉં તથા દસ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યાં. આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી આપી.

6 યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના પ્રભુ ઈશ્વરના માર્ગોમાં યથાર્થ રીતે ચાલ્યો. 7 યોથામનાં બાકીનાં કૃત્યો સંબંધી, તેના વિગ્રહો તથા તેનાં આચરણો વિષે ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખવામાં આવેલું છે.

8 તે જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. 9 યોથામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેનો પુત્ર આહાઝ તેને સ્થાને રાજા બન્યો.

<- 2 કાળવૃતાંત 262 કાળવૃતાંત 28 ->