1 જયારે યોઆશ રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ સિબ્યાહ હતું, તે બેરશેબાની હતી. 2 યોઆશે યહોયાદા યાજકના દિવસોમાં ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. 3 યહોયાદાએ બે સ્ત્રીઓ સાથે તેના લગ્ન કરાવ્યાં અને તેને દીકરા તથા દીકરીઓ થયાં.
4 એ પછી એમ થયું કે યોઆશે ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવાનું નક્કી કર્યું. 5 તેણે યાજકોને તથા લેવીઓને ભેગા કરીને તેઓને કહ્યું, “યહૂદિયાના નગરોમાં જાઓ. અને સર્વ ઇઝરાયલીઓ પાસેથી તમારા પ્રભુ, ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે નાણાં ઉઘરાવી લાવો. આ કામ કાળજી રાખીને ઉતાવળથી કરજો.” તોપણ લેવીઓએ તે ઉતાવળથી કર્યું નહિ.
6 તેથી રાજાએ પ્રમુખ યાજક યહોયાદાને બોલાવીને કહ્યું, “સાક્ષ્યમંડપને માટે ઈશ્વરના સેવક મૂસાએ તથા ઇઝરાયલી લોકોએ ઠરાવેલો ફાળો યહૂદિયામાંથી તથા યરુશાલેમમાંથી ઉઘરાવવાને તેં લેવીઓને શા માટે ફરમાવ્યું નહિ?” 7 કેમ કે પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના પુત્રોએ ઈશ્વરનું ઘર ભાંગી નાખ્યું હતું અને તેઓએ ઈશ્વરના ઘરની સર્વ અર્પિત વસ્તુઓ પણ બઆલ દેવોની પૂજાના કામમાં લઈ લીધી હતી.
8 તેથી રાજાએ આજ્ઞા કરી તે પ્રમાણે તેઓએ એક પેટી બનાવીને તેને ઈશ્વરના ઘરના પ્રવેશદ્વારે મુકાવી. 9 પછી ઈશ્વરના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયલ પર જે ફાળો નાખ્યો હતો તે ઈશ્વરને માટે ભરી જવાને તેઓએ આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં જાહેરાત કરી. 10 સર્વ આગેવાનો તથા સર્વ લોકો ઉત્સાહપૂર્વક તે કરના પૈસા ત્યાં લાવવા લાગ્યા અને પેટીમાં નાખવા લાગ્યા.
11 જયારે પણ પેટી ભરાઈ જતી ત્યારે લેવીઓની મારફતે તે પેટી રાજાની કચેરીમાં લાવવામાં આવતી અને જયારે પણ તેઓ જોતા કે તેમાં ઘણાં પૈસા જમા થયા છે, ત્યારે રાજાનો પ્રધાન તથા મુખ્ય યાજકનો અધિકારી આવીને તે પેટીને ખાલી કરતા અને તેને ઉપાડીને પાછી તેની જગ્યાએ લઈ જઈને મૂકતા. દરરોજ આ પ્રમાણે કરવામાં આવતું અને તેઓએ પુષ્કળ પૈસા એકત્ર કર્યા. 12 રાજાએ તથા યહોયાદાએ ઈશ્વરના ઘરની સેવાનું કામ કરનારાઓને તે આપ્યાં. ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે કડિયા તથા સુથારોને તેઓએ કામે રાખ્યા અને લોખંડનું તથા પિત્તળનું કામ કરનાર કારીગરોને પણ પુનઃસ્થાપિત કરવા માટે રાખ્યા.
13 તેથી કારીગરો કામે લાગી ગયા અને તેઓના હાથથી કામ સંપૂર્ણ થયું; તેઓએ ઈશ્વરના ઘરને પહેલાંના જેવું જ મજબૂત બનાવી દીધું. 14 તેઓ તે કામ સમાપ્ત કરી રહ્યા, ત્યારે તેઓ બાકીના પૈસા રાજા તથા યહોયાદાની પાસે લાવ્યા. તેમાંથી ઈશ્વરના ઘરને માટે સેવાના તથા અર્પણનાં પાત્રો, ચમચાઓ તથા સોના ચાંદીની બીજી વસ્તુઓ બનાવવામાં આવી. યહોયાદાના દિવસો સુધી તેઓ ઈશ્વરના ઘરમાં નિત્ય દહનીયાર્પણ ચઢાવતા હતા.
17 હવે યહોયાદાના મૃત્યુ પછી યહૂદિયાના સરદારોએ આવીને રાજાને વિનંતી કરી. પછી રાજાએ તેઓનું સાંભળ્યું. 18 તેઓએ તેમના પિતૃઓના પ્રભુ, ઈશ્વરના ઘરને તજી દીધું અને અશેરીમની તથા મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. તેઓના આ અપરાધને કારણે યહૂદિયા તથા યરુશાલેમ ઉપર ઈશ્વર કોપાયમાન થયા. 19 તોપણ તેઓને પોતાની તરફ પાછા લાવવાને ઈશ્વરે તેઓની પાસે પ્રબોધકોને મોકલ્યા; પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી, પણ તેઓએ તેઓનું કંઈ સાંભળ્યું નહિ.
20 યહોયાદા યાજકના પુત્ર ઝખાર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો; ઝખાર્યાએ લોકોની સમક્ષ ઊભા થઈને કહ્યું, “ઈશ્વર એમ કહે છે: ‘શા માટે તમે ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને પોતાને માથે આફત લાવો છો? તમે ઈશ્વરને તજ્યા છે, માટે તેમણે તમને તજ્યા છે.’ ” 21 પણ તેઓએ તેની વિરુદ્ધમાં કાવતરું કરીને રાજાની આજ્ઞાથી ઈશ્વરના ઘરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો. 22 એ પ્રમાણે, યોઆશ રાજાએ ઝર્ખાયાના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતા તેના પુત્રને મારી નાખ્યો. મરતા સમયે ઝખાર્યાએ કહ્યું, “ઈશ્વર આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ આપશે.”
25 જે સમયે અરામીઓ પાછા ગયા, તેઓ તો યોઆશને ગંભીર બીમારીની હાલતમાં મૂકી ગયા. તેના પોતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો, એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો, તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવ્યો નહિ. 26 ત્યાં એવા કેટલાક લોકો હતા કે જેઓ તેની વિરુદ્ધ કાવતરું રચનારા હતા: આમ્મોની મહિલા શિમાથનો દીકરો ઝાબાદ, મોઆબણ શિમ્રીથનો દીકરો યહોઝાબાદ એ બે કાવતરાખોર હતા.
27 હવે તેના દીકરાઓ ના વૃતાંત, તેના માટે બોલાયેલી ભવિષ્યવાણી તથા ઈશ્વરના ઘરનું પુનઃસ્થાપન એ સર્વ રાજાઓના પુસ્તકના ટીકાગ્રંથમાં લખેલાં છે. અને તેને સ્થાને તેનો દીકરો અમાસ્યા રાજા બન્યો.
<- 2 કાળવૃતાંત 232 કાળવૃતાંત 25 ->