Link to home pageLanguagesLink to all Bible versions on this site
12
મિસરના લશ્કરનું આક્રમણ
1 રાજા. 14:25-28

1 અને એમ થયું કે, જયારે રહાબામનું રાજય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે તથા તેની સાથેના સર્વ ઇઝરાયલે ઈશ્વરના નિયમનો ત્યાગ કર્યો.

2 એ તે લોકો ઈશ્વરને અવિશ્વાસુ બન્યા હોવાથી રહાબામ રાજાના શાસનના પાંચમાં વર્ષે, મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર હુમલો કર્યો. 3 તે બારસો રથો તથા સાઠ હજાર ઘોડેસવારો સહિત ચઢી આવ્યો. મિસરમાંથી તેની સાથે અસંખ્ય સૈનિકો આવ્યા હતા: તેઓમાં લૂબીઓ, સુક્કીઓ તથા કૂશીઓ હતા. 4 યહૂદિયા સાથે સંકળાયેલાં પિસ્તાળીસ નગરોનો કબજો કરીને તે યરુશાલેમ આવ્યો.

5 હવે રહાબામ તથા યહૂદાના આગેવાનો, જેઓ શિશાકને લીધે યરુશાલેમમાં એકત્ર થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, “ઈશ્વર આમ કહે છે: ‘તમે મને તજી દીધો છે, તેથી મેં પણ તમને શિશાકના હાથમાં સોંપી દીધાં છે.’ ” 6 પછી ઇઝરાયલના આગેવાનોએ તથા રાજાએ પોતાને નમ્ર બનાવીને કહ્યું, “ઈશ્વર ન્યાયી છે.”

7 ઈશ્વરે જયારે જોયું કે તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે, ત્યારે ઈશ્વરની વાણી શમાયાની પાસે આવી, “તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે. માટે હું તેમનો નાશ નહિ કરું; હું તેમને થોડીવારમાં છોડાવીશ અને હું મારો ક્રોધ શિશાકની મારફતે યરુશાલેમ પર નહિ ઉતારું. 8 તેમ છતાં, તેઓ તેના ગુલામો થશે, કે જેથી તેઓને સમજાય કે મારી સેવા કરવામાં તથા વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે.”

9 મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર ચઢાઈ કરીને ઈશ્વરના સભાસ્થાનનો ખજાનો તથા રાજાના મહેલનો બધો ખજાનો લૂંટી લીધો. તેણે બધું જ લૂંટી લીધું; સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી એ પણ તે લઈ ગયો. 10 રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને અંગરક્ષકોના ઉપરી અમલદારના, એટલે કે જેઓ રાજાના મહેલની ચોકી કરતા તેઓના હાથમાં સોંપી.

11 જયારે રાજા ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરતો, ત્યારે રક્ષકો તે ઢાલોને ઊંચકી લેતા; પછી તેઓ તે ઢાલોને પરત લાવતા અને રક્ષકગૃહમાં મૂકી દેતા. 12 જયારે રહાબામે પોતાને નમ્ર કર્યો ત્યારે ઈશ્વરનો ક્રોધ ઊતર્યો, કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા; આ ઉપરાંત, યહૂદિયામાં પણ કંઈક સારી વર્તણૂક માલૂમ પડી.

રહાબામના રાજ્યકાળનું ટૂંક વર્ણન
13 તેથી રહાબામ રાજાએ યરુશાલેમમાં બળવાન થઈને રાજ કર્યુ. રહાબામ રાજા બન્યો ત્યારે તે એકતાળીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમ નગર કે, જેને ઈશ્વરે પોતાનું નામ રાખવા માટે ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી પસંદ કર્યું હતું, ત્યાં સત્તર વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ નાઅમાહ હતું, તે આમ્મોની સ્ત્રી હતી. 14 તેણે દુષ્ટતા કરી, તેણે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરવાનું મન લગાડ્યું નહિ.

15 રહાબામનાં કૃત્યો, પ્રથમથી તે છેલ્લે સુધી, શમાયા પ્રબોધકની તથા ઇદ્દો દ્રષ્ટાનાં લખાણોમાં વંશાવળીના અનુક્રમે નોંધેલા છે. રહાબામ તથા યરોબામ વચ્ચે સતત વિગ્રહ ચાલતો રહ્યો હતો. 16 રહાબામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો દીકરો અબિયા રાજા થયો.

<- 2 કાળવૃતાંત 112 કાળવૃતાંત 13 ->