Link to home pageLanguagesLink to all Bible versions on this site
2
મંડળીની સેવાની વ્યવસ્થા
1 હવે સર્વ પ્રથમ હું એવો બોધ કરું છું કે, વિનંતી, પ્રાર્થના, મધ્યસ્થી તથા આભારસ્તુતિ સઘળાં માણસોને માટે કરવામાં આવે; 2 રાજાઓ અને સર્વ અધિકારીઓને માટે પણ કરવામાં આવે જેથી આપણે શાંત તથા નિરાંતનું જીવન પૂર્ણ ઈશ્વરમય તથા સન્માનપૂર્વક જીવીએ. 3 કેમ કે ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દ્રષ્ટિએ તે સારું તથા સ્વીકાર્ય છે. 4 તેઓ ઇચ્છે છે કે સઘળાં માણસો ઉદ્ધાર પામે અને તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.

5 કેમ કે એક જ ઈશ્વર છે તદુપરાંત ઈશ્વર તથા મનુષ્યોની વચ્ચે એક જ મધ્યસ્થ છે તે મનુષ્ય, ખ્રિસ્ત ઈસુ 6 જેમણે સઘળાંનું મુક્તિમૂલ્ય ચૂકવવા સ્વાર્પણ કર્યું; તેમની સાક્ષી નિર્માણ થયેલ સમયે આપવામાં આવી હતી. 7 મને તે હેતુસર પોકારનાર તથા પ્રેરિત હું સાચું બોલું છું, જૂઠું નહિ અને વિશ્વાસ તથા સત્યમાં બિનયહૂદીઓને માટે શિક્ષક નિયુક્ત કરવામાં આવ્યો છે.

8 તેથી મારી ઇચ્છા છે કે, પુરુષો સર્વ સ્થળે ગુસ્સા તથા વિવાદ વિના પવિત્ર હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે. 9 તે જ પ્રમાણે સ્ત્રીઓ પણ મર્યાદા તથા સંયમ રાખીને શોભતાં વસ્ત્રોથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે ખર્ચાળ વસ્ત્રોથી નહિ, 10 પણ સારાં કાર્યો દ્વારા ઈશ્વરપરાયણતા માનનાર સ્ત્રીઓને જે ઉચિત છે તેનાથી શણગારે.

11 સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી શાંત રહીને શીખવું. 12 ઉપદેશ કરવાની કે, પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે શાંત રહેવું.

13 કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા; 14 આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઉલ્લંઘન કર્યું; 15 તોપણ જો સ્ત્રી મર્યાદાસહિત વિશ્વાસમાં, પ્રેમમાં તથા પવિત્રતામાં રહે તો તે સંતાનપ્રસવ દ્વારા ઉદ્ધાર પામશે.

<- તિમોથીને પહેલો પત્ર 1તિમોથીને પહેલો પત્ર 3 ->