Link to home pageLanguagesLink to all Bible versions on this site

થેસ્સાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર
લેખક
પાઉલ પ્રેરિત પોતે બે વાર પોતાને આ પત્રના લેખક તરીકે ઓળખાવે છે (1:1; 2:18). બીજી મિશનરી મુસાફરીમાં જ્યારે આ મંડળીની સ્થાપના કરવામાં આવી (પ્રેરિતનાં કૃત્યો 17:1-9) ત્યારે પાઉલ સાથે તેના સાથીઓ તરીકે સિલાસ અને તિમોથી (3:2,6) હતા. તેણે ત્યાંથી ગયા બાદ થોડા જ મહિનાઓમાં વિશ્વાસીઓને આ પ્રથમ પત્ર લખ્યો હતો. થેસ્સલોનિકામાંની પાઉલની સેવા ફક્ત યહૂદીને જ નહીં પણ દેખીતી રીતે બિનયહૂદીઓને પણ સ્પર્શી હતી. મંડળીના ઘણા બિનયહૂદીઓ મૂર્તિપૂજા છોડીને આવ્યા હતા કે જે તે સમયના યહૂદીઓમાં કોઈ ખાસ સમસ્યા નહોતી (1:9).
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 51 ની આસપાસનો છે.
પાઉલે થેસ્સાલોનિકાની મંડળીને પોતાનો પ્રથમ પત્ર કરિંથ શહેરથી લખ્યો હતો.
વાંચકવર્ગ
જો કે સામાન્ય રીતે આ પત્ર દરેક જગ્યાના બધા જ ખ્રિસ્તીઓને સંબોધે છે તો પણ, 1 થેસ્સલોનિકી 1:1 આ પત્રના ઇચ્છિત વાંચકો તરીકે “થેસ્સાલોનિકાની મંડળી” નાં સભાસદોને ઓળખાવે છે.
હેતુ
આ પત્ર લખવામાં પાઉલનો હેતુ નવા વિશ્વાસીઓને તેઓની કસોટીઓમાં ઉત્તેજન આપવાનો (3:3-5), ઈશ્વરપારાયણ જીવન જીવવા બોધ આપવાનો (4:1-12), ખ્રિસ્તનાં પુનરાગમન અગાઉ મરણ પામેલા વિશ્વાસીઓના ભવિષ્ય વિષે ખાતરી કરાવવાનો (4:13-18) અને બીજી કેટલીક નૈતિક અને વ્યાવહારિક બાબતોને સુધારવાનો હતો.
મુદ્રાલેખ
મંડળીની કાળજી
રૂપરેખા
1. આભારદર્શન — 1:1-10
2. પ્રેરિતપદના કાર્યોનો બચાવ — 2:1-3:13
3. થેસ્સલોનિકાના લોકોને બોધ — 4:1-5:22
4. સમાપનની પ્રાર્થના અને આશીર્વચન — 5:23-28

1
થેસ્સાલોનિકીઓને પાઉલનો પત્ર
1 ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે; તમને કૃપા તથા શાંતિ હો.
થેસ્સાલોનિકા મંડળીનું જીવન અને વિશ્વાસ
2 અમારી પ્રાર્થનાઓમાં તમારાં નામ કહીને, અમે સદા તમો સર્વને માટે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ; 3 તમારા વિશ્વાસનાં કામ, પ્રેમપૂર્વકની તમારી મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની તમારી દ્રઢ આશાને કારણે તમારામાં ઉત્પન્ન થતી ધીરજને, આપણા ઈશ્વર તથા પિતાની આગળ, અમે હંમેશા યાદ કરીએ છીએ.

4 ભાઈઓ, અમે જાણીએ છીએ કે, ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને તેણે તમને પસંદ કર્યા છે. 5 કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દમાં નહિ, પણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; તેમ જ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો.

6 તમે અમને તથા પ્રભુને અનુસરનારા થયા કેમ કે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માનાં આનંદસહિત તમે પ્રભુની વાત સ્વીકારી. 7 જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા.

8 કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાતનો પ્રસાર થયો એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો, એ બાબતે અમારે કશું કહેવાની જરૂર જણાતી નથી. 9 લોકો પોતે અમારા વિષે એ બધી વાતો પ્રગટ કરે છે કે, કેવી પરિસ્થિતિમાં અમે તમારી મધ્યે આવ્યા અને તમે જીવંત તથા ખરા ઈશ્વરની સેવા કરવાને 10 તથા ઈશ્વરના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી સજીવન કર્યા, તેમની સ્વર્ગથી આવવાની રાહ જોવાને, કેવી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ, તમે ફર્યા.

થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 2 ->