Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
પતિ-પત્નીના સંબંધો
1 તે જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, એ માટે કે જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તે પોતાની પત્નીના આચરણથી, 2 એટલે તમારાં ઈશ્વર પ્રત્યે મર્યાદાયુક્ત શુદ્ધ વર્તન દ્વારા વચન વગર મેળવી લેવાય.

3 તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય; 4 પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે નમ્ર તથા શાંત આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય.

5 કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી, તેઓ પોતપોતાનાં પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. 6 જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને ભયભીત ન બનો, તો તમે તેની દીકરીઓ છો.

7 તે જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળી વ્યક્તિ છે તેમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ સમજીને, તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ.

સારું કરતા સહન કરો
8 આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ. 9 દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ. 10 કેમ કે, ‘જે માણસ જીવનને પ્રેમ કરવા ઇચ્છે છે અને સારા દિવસો જોવા ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા; 11 તેણે દુષ્ટતાથી દૂર રહેવું, ભલું કરવું; શાંતિ શોધવી અને તેમાં પ્રવૃત્ત રહેવું. 12 કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની પ્રાર્થના પ્રત્યે તેમના કાન ખુલ્લાં છે; પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓની વિરુદ્ધ છે.

13 જે સારું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું નુકસાન કરનાર કોણ છે? 14 પરંતુ જો તમે ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમે આશીર્વાદિત છો; તેઓની ધમકીથી ડરો નહિ’ અને ગભરાઓ પણ નહિ.

15 પણ ખ્રિસ્તને પ્રભુ તરીકે તમારાં અંતઃકરણમાં પવિત્ર માનો; અને તમારી જે આશા છે તે વિષે જો કોઈ પૂછે તો તેને નમ્રતા તથા માન સાથે પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો. 16 શુદ્ધ અંતઃકરણ રાખો કે જેથી, જે બાબત વિષે તમારું ખરાબ બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંના તમારા સારા વર્તનની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય. 17 કેમ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય, તો દુષ્ટતા કરવાને લીધે સહેવું તે કરતાં ભલું કરવાને લીધે સહેવું તે વધારે સારું છે.

18 કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને દેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા. 19 તે આત્મામાં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. 20 આ આત્માઓ, નૂહના સમયમાં અનાજ્ઞાંકિત હતા, જયારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જયારે વહાણમાં થોડા લોકો, એટલે આઠ મનુષ્યો પાણીથી બચી ગયા.

21 તે દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનાં પાણીથી શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા ઈશ્વર પાસે શુદ્ધ અંતઃકરણની માગણીથી હમણાં તમને બચાવે છે. 22 ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને આધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.

<- પિતરનો પહેલો પત્ર 2પિતરનો પહેલો પત્ર 4 ->