Link to home pageLanguagesLink to all Bible versions on this site
2
જીવંત પથ્થર અને પવિત્ર પ્રજા
1 એ માટે તમામ દુષ્ટતા, કપટ, ઢોંગ, દ્વેષ તથા સર્વ પ્રકારની નિંદા દૂર કરીને, 2 નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ઇચ્છા રાખો, 3 જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે ઉદ્ધાર પામતાં સુધી વધતાં રહો.

4 જે જીવંત પથ્થર છે, મનુષ્યોથી નકારાયેલા ખરા, પણ ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે. 5 તેમની પાસે આવીને તમે પણ આત્મિક ઘરના જીવંત પથ્થર બન્યા અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્તને ધ્વારા ઈશ્વરને પ્રસન્ન છે તેમનું અર્પણ કરવા પવિત્ર યાજકો થયા છો.

6 કારણ કે શાસ્ત્રવચનમાં લખેલું છે કે, ‘જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન, એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું અને જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.

7 માટે તમને વિશ્વાસ કરનારાઓને તે મૂલ્યવાન છે, પણ અવિશ્વાસીઓને સારુ તો જે પથ્થર બાંધનારાઓએ નાપસંદ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.

8 વળી ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકર ખવડાવનાર ખડક થયો છે;’ તેઓ વચનને માનતાં નથી, તેથી ઠોકર ખાય છે, એટલા માટે પણ તેઓનું નિર્માણ થયેલું હતું.

9 પણ તમે તો પસંદ કરેલું કુળ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર લોક તથા ઈશ્વરની ખાસ પ્રજા છો, જેથી જેમણે તમને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક અજવાળામાં તેડ્યાં છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો. 10 તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ ઈશ્વરની પ્રજા છો; કોઈ એક સમયે તમે દયા પામેલા નહોતા, પણ હાલ દયા પામ્યા છો.

ઈશ્વરના ગુલામ
11 પ્રિયજનો, તમે પરદેશી તથા પ્રવાસી છો, માટે હું તમને વિનંતી કરું છું કે, જે દુષ્ટ ઇચ્છાઓ આત્માની સામે લડે છે, તેઓથી તમે દૂર રહો. 12 વિદેશીઓમાં તમે પોતાનો વ્યવહાર સારો રાખો, કે જેથી તેઓ તમને ખરાબ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તમારાં સારાં કામ જોઈને તેઓ તેમના પુનરાગમનના દિવસે ઈશ્વરનો મહિમા કરે.

13 માણસોએ સ્થાપેલી પ્રત્યેક સત્તાને પ્રભુને લીધે તમે આધીન થાઓ; રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો. 14 વળી ખોટું કરનારાઓને દંડ આપવા અને સારું કરનારાઓની પ્રશંસા કરવાને તેણે નીમેલા અધિકારીઓને પણ તમે આધીન થાઓ 15 કેમ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારાં કાર્યો કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનપણાની વાતોને તમે બંધ કરો. 16 તમે સ્વતંત્ર છો પણ એ સ્વતંત્રતા તમારી દુષ્ટતાને છુપાવવા માટે ન વાપરો; પણ તમે ઈશ્વરના સેવકો જેવા થાઓ. 17 તમે સર્વને માન આપો, ભાઈઓ પર પ્રેમ રાખો, ઈશ્વરનો ભય રાખો, રાજાનું સન્માન કરો.

ઈશ્વરના દુઃખનો નમૂનો
18 દાસો, તમે પૂરા ભયથી તમારા માલિકોને આધીન થાઓ, જેઓ સારા તથા નમ્ર છે કેવળ તેઓને જ નહિ, વળી કઠોર માલિકને પણ આધીન થાઓ. 19 કેમ કે જો કોઈ માણસ ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠતાં દુઃખ સહે છે તો તે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે. 20 કેમ કે જયારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો તમે સહન કરો છો, તો તેમાં શું પ્રશંસાપાત્ર છે? પણ જો સારું કરવાને લીધે દુઃખ ભોગવો છો, તે જો તમે સહન કરો છો એ ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે.

21 કારણ કે એને માટે તમે તેડાયેલા છો, કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું છે અને તમને નમૂનો આપ્યો છે, કે તમે તેમને પગલે ચાલો. 22 તેમણે કંઈ પાપ કર્યું નહિ, ને તેમના મુખમાં કપટ માલૂમ પડ્યું નહિ. 23 તેમણે નિંદા પામીને સામે નિંદા કરી નહિ, દુઃખો સહેતાં કોઈને ધમકાવ્યાં નહિ, પણ સાચો ન્યાય કરનારને પોતાને સોંપ્યો.

24 લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા. 25 કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા, પણ હમણાં તમારા આત્માનાં પાળક તથા રક્ષક ખ્રિસ્તની પાસે પાછા આવ્યા છો.

<- પિતરનો પહેલો પત્ર 1પિતરનો પહેલો પત્ર 3 ->