Link to home pageLanguagesLink to all Bible versions on this site
6
અવિશ્વાસીઓ સમક્ષ ન જાઓ
1 તમારામાંના કોઈને બીજાની સામે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતા અવિશ્વાસીઓની આગળ ન્યાય માગવા જાય એ કેવું કહેવાય? 2 સંતો માનવજગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારાથી માનવજગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને યોગ્ય નથી? 3 આપણે દૂતોનો ન્યાય કરીશું એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય આપણે ના કરી શકીએ?

4 એ માટે જો તમારે આ જિંદગીની બાબતોનો ન્યાય કરવાનો હોય, તો વિશ્વાસી સમુદાયમાં જેઓને તમે ગણકારતા નથી તેઓને તમે ન્યાય કરવાને બેસાડો છો? 5 હું તમને શરમાવવાને માટે કહું છું. કે શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે, એવો એક પણ જ્ઞાની માણસ તમારામાં નથી? 6 પણ અહીં તો ભાઈ પોતાના ભાઈ સામે ફરિયાદ કરે છે; અને તે વળી અવિશ્વાસીઓ સમક્ષ!

7 માટે હમણાં તમારામાં સાચે જ ગેરસમજ ઊભી થઈ છે, કે, તમે એકબીજા સામે ફરિયાદ કરો છો. એમ કરવાને બદલે તમે અન્યાય કેમ સહન કરતા નથી? 8 ઊલટાનું તમે અન્યાય કરો છો, તથા બીજાનું પડાવી લો છો, અને તે પણ તમારા ભાઈઓનું!

9 શું તમે જાણતા નથી કે અન્યાયીઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ? તમે ભૂલ ન કરો; વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ, 10 ચોરીઓ કરનાર, લોભીઓ, સ્વછંદી, નિંદા કરનારાઓ તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ. 11 તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે ઈસુ ખ્રિસ્તનાં નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રતા અને ન્યાયપણું પામ્યા છો.

ઈશ્વરના મહિમા માટે શરીરનો ઉપયોગ
12 સઘળી વસ્તુઓની મને છૂટ છે. પણ એ બધી લાભકારક નથી. પણ હું તેમાંની કોઈથી નિયંત્રિત થવાનો નથી. 13 ખોરાક પેટને માટે છે અને પેટ ખોરાકને માટે છે. પણ ઈશ્વર બન્નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નહિ, પણ પ્રભુનો મહિમા કરવા માટે આપવામાં આવ્યું છે. અને પ્રભુ શરીરને માટે.

14 ઈશ્વરે ઈસુને સજીવન કર્યા છે, અને પોતાના પરાક્રમથી તે આપણને પણ મૃત્યુમાંથી સજીવન કરશે. 15 આપણાં શરીરો ખ્રિસ્તનાં અંગો છે, એ શું તમે નથી જાણતા? ત્યારે શું હું ખ્રિસ્તનાં અંગોને વ્યભિચારિણીના અંગો બનાવું? એવું ન થાઓ.

16 શું તમે નથી જાણતા કે વ્યભિચારિણી સાથે જે જોડાય છે, તે તેની સાથે એક દેહ થાય છે? કેમ કે શાસ્ત્ર કહે છે કે, તેઓ એક દેહ થશે. 17 પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે.

18 વ્યભિચારથી નાસો, માણસ જે પાપ કરે તે શરીર બહારના છે; પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.

19 શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી આપવામાં આવ્યો છે, તેમનું ભક્તિસ્થાન તમારું શરીર છે? અને તમે પોતાના નથી, 20 કેમ કે મૂલ્ય ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. તેથી હવે તમારું શરીર અને તમારો આત્મા ઈશ્વરનાં છે, તમારાં શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપો.

<- કરિંથીઓને પહેલો પત્ર 5કરિંથીઓને પહેલો પત્ર 7 ->