Link to home pageLanguagesLink to all Bible versions on this site
2
વધસ્તંભે જડાયેલા ખ્રિસ્ત વિષેનો સંદેશ
1 ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો. 2 કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.

3 હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રૂજારીમાં તમારી સાથે રહ્યો હતો. 4 મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ પવિત્ર આત્માનાં તથા સામર્થ્યના પ્રમાણ પર હતો 5 કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.

ઈશ્વરનું જ્ઞાન
6 જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; 7 પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ.

8 આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. 9 પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.

10 તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે. 11 કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.

12 પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ. 13 તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ.

14 સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી. 15 પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી. 16 કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.

<- કરિંથીઓને પહેલો પત્ર 1કરિંથીઓને પહેલો પત્ર 3 ->