Link to home pageLanguagesLink to all Bible versions on this site
14
પવિત્ર આત્માનાં દાનો વિષે વધુ
1 પ્રેમને અનુસરો; અને આત્મિક દાનો મેળવવાની અભિલાષા રાખો, વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો. 2 કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે, બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે. 3 જે પ્રબોધ કરે છે, તે ઉન્નતિ, સુબોધ તથા દિલાસાને માટે માણસો સાથે બોલે છે. 4 જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે વિશ્વાસી સમુદાયની ઉન્નતિ કરે છે.

5 મારી ઇચ્છા છે કે, તમે બધા અન્ય ભાષાઓ બોલો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ સમજાવો એવી મારી ઇચ્છા છે. કેમ કે અન્ય ભાષાઓ બોલનાર, જો વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે ભાષાંતર કરે નહિ, તો તે કરતાં પ્રબોધ કરનારનું મહત્ત્વ વધારે છે. 6 ભાઈઓ, તમારી વચ્ચે આવીને હું અન્ય ભાષાઓ બોલું પણ જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણથી ન બોલું તો તેનાથી તમને કશો લાભ નથી.

7 એમ જ અવાજ કાઢનાર નિર્જીવ વાજિંત્રો, પછી તે વાંસળી હોય કે વીણા હોય પણ જો એમના સૂરમાં અલગતા આવે નહિ, તો વાંસળી કે વીણા એમાંથી શું વગાડે છે તે કેવી રીતે માલૂમ પડે? 8 કેમ કે જો રણશિંગડું સ્પષ્ટ સૂર ન કાઢે, તો લડાઈ માટે કોણ સજ્જ થશે? 9 એમ જ તમે પણ જો જીભ વડે સમજી શકાય એવા શબ્દો ના બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા ગણાશો.

10 દુનિયામાં ઘણી ભાષાઓ છે, તેઓમાંની કોઈ અર્થ વગરની નથી, 11 એ માટે જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું, તો બોલનારની સમક્ષ હું પરદેશી જેવો અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે.

12 એ પ્રમાણે તમે આત્માનાં દાનો ઇચ્છો છો, તે ઝનૂનથી શોધો અને વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે તમે તેમાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરો. 13 તે માટે અન્ય ભાષા બોલનારે પોતે ભાષાંતર કરી શકે, એવી પ્રાર્થના કરવી. 14 કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પણ મારું મન નિષ્ક્રિય રહે છે.

15 તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ અને મનથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ અને મનથી પણ ગાઈશ. 16 નહિ તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં જે ઓછી સમજવાળો માણસ બેઠેલો છે તે તારી સ્તુતિ સાંભળીને આમીન કેવી રીતે કહેશે? કેમ કે તું શું બોલે છે એ તે સમજતો નથી.

17 કેમ કે તું સારી રીતે સ્તુતિ કરે છે ખરો; પણ તેથી અન્યોની ઉન્નતિ થતી નથી. 18 હું ઈશ્વરનો આભાર માનું છું, કે તમારા સર્વનાં કરતાં મને વધારે ભાષાઓ બોલતાં આવડે છે. 19 તોપણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ભાષામાં દસ હજાર શબ્દ બોલવા કરતાં બીજાઓને શીખવવા પોતાની સમજશક્તિથી માત્ર પાંચ શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું છું.

20 ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ; પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પુખ્ત થાઓ. 21 નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે, ‘અન્ય ભાષાઓથી તથા અજાણી પ્રજાઓના હોઠોથી હું આ લોકોની સાથે બોલીશ, તોપણ તેઓ મારું સાંભળશે નહીં,’ એમ પ્રભુ કહે છે.

22 એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ, પણ અવિશ્વાસીઓને માટે નિશાનીરૂપ છે. અને પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને માટે ચિહ્નરૂપ છે. 23 માટે જો આખો વિશ્વાસી સમુદાય એકઠો મળે, અને બધા જ અન્ય ભાષાઓમાં બોલે અને જો કેટલાક ઓછી સમજવાળા તથા અવિશ્વાસીઓ ત્યાં આવે તો શું તેઓ કહેશે નહિ, કે તમે પાગલ છો?

24 પણ જો સર્વ પ્રબોધ કરે અને કોઈ અવિશ્વાસી કે અણસમજુ અંદર આવે તો બધાથી તેને શિખામણ મળે છે; બધાથી તે પરખાય છે; 25 અને તેના હૃદયની ગુપ્ત બાબતો પ્રગટ કરાય છે; વળી ખરેખર ઈશ્વર તમારામાં છે એવું કબૂલ કરીને, તે ઘૂંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે.

મંડળીમાં વ્યવસ્થા
26 ભાઈઓ તથા બહેનો જયારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ ગીત ગાય છે, કોઈ પ્રકટીકરણ કરે છે, કોઈ અન્ય ભાષા બોલે છે કોઈ તેનો અર્થ સમજાવે છે; આ બધું ઉન્નતિને માટે થવું જોઈએ. 27 જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા વધારેમાં વધારે ત્રણ માણસ વારાફરતી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવું. 28 પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું.

29 બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની સમીક્ષા કરે. 30 પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય, તો પહેલાએ છાના રહેવું.

31 તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે. 32 પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે. 33 ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે.

જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ, 34 સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું; કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી, પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે. 35 પણ જો તેઓ કંઈ શીખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું; કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમભરેલું છે. 36 શું તમારી પાસેથી ઈશ્વરનું વચન આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?

37 જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક સમજે, તો જે વાતો હું તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે સમજવું. 38 જો કોઈ અજ્ઞાની હોય તો તે ભલે અજ્ઞાની રહે.

39 એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો, અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો. 40 પણ બધું ઈશ્વરને શોભે એ રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.

<- કરિંથીઓને પહેલો પત્ર 13કરિંથીઓને પહેલો પત્ર 15 ->