Link to home pageLanguagesLink to all Bible versions on this site
13
પ્રેમનો સર્વોત્તમ માર્ગ
1 જોકે હું માણસોની તથા સ્વર્ગદૂતોની પણ ભાષાઓ બોલી શકું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકાર કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું છું. 2 જો મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મ તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને હું પર્વતોને ખસેડી શકું એવો પૂરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નહિ, તો હું કશું જ નથી. 3 જો હું કંગાલોનું પોષણ કરવા મારી બધી સંપત્તિ આપું અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશું હિતકારક નથી.

4 પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; પ્રેમ અદેખાઈ કરતો નથી; પ્રેમ બડાશ મારતો નથી, ફુલાઈ જતો નથી, 5 પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત શોધતો નથી, ખીજવાતો નથી, કોઈનું ખરાબ ઇચ્છતો નથી; 6 અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે; 7 પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે.

8 પ્રેમ કદી ઓછો થતો નથી, પણ પ્રબોધ કરવાનું દાન હોય તો તે નષ્ટ થશે; ભાષાઓ ભુલાઈ જશે; વિદ્યા હોય તો તે વીસરી જશે. 9 કેમ કે આપણે અપૂર્ણ જાણીએ છીએ; અને અધૂરો પ્રબોધ કરીએ છીએ; 10 પણ જયારે સંપૂર્ણતા આવશે, ત્યારે અપૂર્ણતા જતી રહેશે.

11 જયારે હું બાળક હતો, ત્યારે બાળકની માફક બોલતો હતો, વિચારતો હતો અને બાળકની માફક જ સમજતો હતો, પણ હવે હું પુખ્ત થયો, ત્યારે મેં બાળકની વાતો મૂકી દીધી. 12 કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર સ્પષ્ટ જોઈશું; હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ ઈશ્વર મને જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ. 13 હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે; પણ એ ત્રણેયમાં પ્રેમ શ્રેષ્ઠ છે.

<- કરિંથીઓને પહેલો પત્ર 12કરિંથીઓને પહેલો પત્ર 14 ->