Link to home pageLanguagesLink to all Bible versions on this site
27
લશ્કરી અને મૂલકી વ્યવસ્થા
1 ઇઝરાયલપુત્રોની સંખ્યા, એટલે તેઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા સૈન્યના અધિકારીઓ, જેઓની ટુકડીઓમાંથી એકેક ટુકડીના સૈનિકો પોતાના નિયતક્રમ પ્રમાણે વર્ષમાં માસવાર ફરજ બજાવતા હતા. તથા જેઓ દરેક બાબતમાં રાજાની સેવા કરતા હતા. દરેક ટુકડીઓમાં તેઓની સંખ્યા ચોવીસ હજારની હતી.
2 પહેલા માસને માટે ટુકડીનો ઉપરી ઝાબ્દીએલનો પુત્ર યાશોબામ હતો.
તેની ટુકડીમાં ચોવીસ હજાર હતા.
3 તે પેરેસના પુત્રોમાંનો હતો. તે પ્રથમ માસની ટુકડીના સર્વ સરદારોનો ઉપરી હતો.
4 બીજા માસની ટુકડીનો ઉપરી દોદાય અહોહી હતો. મિક્લોથ બીજા ક્રમે હતો.
તેની ટોળીમાં ચોવીસ હજાર માણસો હતા.
5 ત્રીજા માસની ટુકડીનો ઉપરી સૈન્યનો આગેવાન યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો.
તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
6 જે ત્રીસ શૂરવીરોમાં પરાક્રમી તથા તેમનો જે સરદાર હતો તે જ એ બનાયા હતો.
તેની ટુકડીમાં તેનો પુત્ર આમ્મીઝાબાદ હતો.

7 ચોથા માસને માટે ટુકડીનો ઉપરી યોઆબનો ભાઈ અસાહેલ હતો. તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. 8 પાંચમા માસને માટે પાંચમો સરદાર શામ્હૂથ યિઝાહીનો વંશજ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. 9 છઠ્ઠા માસને માટે છઠ્ઠો સરદાર તકોઈ ઇક્કેશનો પુત્ર ઈરા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

10 સાતમા માસને માટે સાતમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો હેલેસ પલોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. 11 આઠમા માસને માટે આઠમો સરદાર ઝેરાહીઓમાંનો સિબ્બખાય હુશાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. 12 નવમા માસને માટે નવમો સરદાર બિન્યામીનીઓમાંના અબીએઝેર અનાથોથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

13 દસમા માસને માટે દસમો સરદાર ઝેરાહીઓમાંનો મહારાય નટોફાથી હતો. તેની ટુકડીઓમાં ચોવીસ હજાર પુરુષો હતા. 14 અગિયારમા માસને માટે અગિયારમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો બનાયા પિરઆથોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. 15 બારમા માસને માટે બારમો સરદાર ઓથ્નીએલનો હેલદાઈ નટોફાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

16 તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નિમાયેલા અધિકારીઓની યાદી:

રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર,
શિમયોનીઓનો માકાનો પુત્ર શફાટયા,
17 લેવીના કુળનો કમુએલનો પુત્ર હશાબ્યા, હારુનના પુત્રોમાંનો સાદોક,
18 યહૂદાકુળનો અલીહૂ, તે દાઉદના ભાઈઓમાંનો એક હતો.
ઇસ્સાખારકુળનો, મિખાએલનો પુત્ર ઓમ્રી,
19 ઝબુલોનનાકુળનો ઓબાદ્યાનો પુત્ર ઇશ્માયા, નફતાલી
કુળનો આઝ્રીએલનો પુત્ર યરિમોથ,
20 એફ્રાઇમકુળના અઝાઝયાનો પુત્ર હોશિયા,
મનાશ્શાના અર્ધકુળનો પદાયાનો પુત્ર યોએલ,
21 ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધકુળનો ઝખાર્યા પુત્ર ઇદ્દો,
બિન્યામીનકુળનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ,
22 દાનકુળનો યરોહામનો પુત્ર અઝારેલ,
તેઓ ઇઝરાયલનાં કુળોના અધિકારીઓ હતા.

23 દાઉદે તેની પ્રજામાંથી વીસ વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાહે, ઇઝરાયલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું. 24 સરુયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરૂ કરી પણ તેણે પૂરી કરી નહોતી. ગણતરી કરવાને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃત્તાંતના ઇતિહાસમાં આ ગણતરી નોંધાવામાં આવી ન હતી.

રાજાની મિલકતના વહીવટદારો
25 રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેથ નિમાયેલો હતો. સીમમાંના નગરોમાંના, ગામોમાંના અને કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝિયાનો પુત્ર યોનાથાન નિમાયેલો હતો. 26 ખેતી કરનારાઓ ઉપર દેખરેખ રાખવા કલૂબનો પુત્ર એઝ્રી હતો. 27 રામાથી શિમઈ દ્રાક્ષવાડીઓ ઉપર દેખરેખ રાખતો હતો, દ્રાક્ષારસના ભંડાર પર ઝાબ્દી શિફ્મી દેખરેખ રાખતો હતો.

28 જૈતૂનવૃક્ષો તથા ગુલ્લરવૃક્ષો નીચાણના પ્રદેશમાં જે હતાં, તેઓ પર બાલ-હાનાન ગદેરી દેખરેખ રાખતો હતો. યોઆશની જવાબદારી તેલના ભંડાર પર હતી. 29 શારોનમાં ચરનારાં જાનવરો પર શિટ્રાય શારોની અને અદલાયનો પુત્ર શાફાટ ખીણોમાં ચરતાં જાનવરો પર દેખરેખ રાખતા હતા.

30 ઓબિલ ઇશ્માએલી ઊંટોની અને મેરોનોથી યહદયા ગધેડાંની સંભાળ રાખતા હતા. યાઝીઝ હાગ્રી ઘેટાંબકરાં સંભાળતો હતો. 31 આ બધા માણસો દાઉદ રાજાની સંપત્તિ સંભાળનારા અધિકારીઓ હતા.

દાઉદના અંગત સલાહકારો
32 દાઉદના કાકા યોનાથાન, કુશળ સલાહકાર અને ચીટનીસ હતો. હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો. 33 અહિથોફેલ રાજાનો સલાહકાર હતો અને હુશાય આર્કી રાજાનો અંગત સલાહકાર હતો. 34 બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર એ બન્ને અહિથોફેલના મદદનીશો હતા. અને યોઆબ રાજાના સૈન્યનો સેનાપતિ હતો.

<- 1 કાળવૃતાંત 261 કાળવૃતાંત 28 ->